સોમનાથ – ભાલકા અને આપણી અસફળતા...
૨૬ જાન્યુઆરી, ૨૦૧૬ની રાજ્ય કક્ષાની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં સફળતાપૂર્વક યોજાઇ ગઇ. ફરજના ભાગરૂપે જિલ્લામાં રહેવાનું થયું. માનનીય રાજ્યપાલશ્રીએ તેમના પ્રવચનમાં ઉલ્લેખ્યા મુજબ 'સોમનાથ આપણને આપણી સફળતાઓ અને અસફળતાઓનું જ્ઞાન કરાવે છે.' સોમનાથની ભવ્યતાના ઐતિહાસિક વર્ણનો આપણી સમક્ષ અનેક લોકોએ કર્યા છે. આપણે એ ભવ્યતાના જ્યોતિર્ધર છીએ. પરંતુ એ ભવ્યતા વારંવાર લજવાણી છે, ભંગાણી છે, તૂટી છે અને નષ્ટ થવાની અણી પર આવીને ફરી બેઠી થઇ છે. સ્ફીનીક્સ પક્ષીના મિથકનું સાક્ષાત સ્વરૂપ કદાચ આ ઐતિહાસિક તવારિખ જ હોઇ શકે. સોમનાથ પર આક્રમણ થવું અને તેનું લુંટાવું એ આપણા સંક્રમિત – ભ્રમિત સમાજનું નબળું પરિણામ છે. સોમનાથને ભવ્ય બનાવવું અને તેનું પુન:નિર્માણ કરવું એ આપણી હકારાત્મક વિચારધારા અને પ્રતિબધ્ધતાનું સાફલ્ય સ્વરૂપ છે. વિદેશી આક્રમણકારો, વિધર્મી આક્રમણખોરો – લૂંટારાઓ દ્વારા સોમનાથની ભવ્યતાની લૂંટ અનેકવાર ચાલી અને આપણે અનેકવાર પુન: નિર્માણ કર્યું. પોરસાવું જ હોય તો આપણે કહી શકીએ કે તેઓની નકારાત્મકતા સામે આપણી હકારાત્મકતાનો વિજય થયો. તેઓ લૂંટતા રહ્યા અને આપણે ફરી બેઠાં ...