ચિતારો...
તે દી ’ ઝૂપડીના અંધારામાં ગરીબડીએ પ્રસવ્યો ’ તો બાળક એક કોર માંનો આનંદ ને બીજી કોર... ચિંતા – કેમ આપીશ ખાવાનું બે ટંક ? ગરીબના ગોર છગનદાદાએ જોણું જોયું : ‘ તારો દીકરો ચિતારો થાહે! ’ બાઇને તો શું સિતારો કે શું ચિતારો ? ‘ ભીખ માંગી લાવે તો હાસો તારો વરતારો. ’ છોકરાના ’ ય દન થયાં મોટાં ભેગાં કર્યા કરતો છાપાના ફોટાં. રસ્તામાં કચરા સાથે એક દી ’ કલમ મળી – છોકરાને જાણે દિવાળી ફળી. ઝટપટ કાગળ લઇ છાપાનો ખાલી જગ્યામાં રોટલી ચિતરી. ઠપ્પાક દઇને રોટલી અવતરી... આમ જોયું તેમ જોયું , ચારે કોર જોયું ‘ સાલ્લું , આવું કેમ થયું ?’ મન ચકરાવે ચડે તે પહેલાં ફરી ચિતર્યુ. જેમ દોરી તેમ રોટલી મળી , માં સાથે સાંજે ઉજાણી કરી. હવે , છોકરો દોરે ને ઘર વસે. ખપ પુરતું દોરે ને ખપ પુરતું મેળવે. ઉનાળાના ભર બપ્પોરે છોકરાએ ભારે કરી , કાગળ ને કલમ લઇ વાદળની ચિતરામણી કરી. ગડગડાટ વરસીને મેઘરાજે પધરામણી કરી. છોકરાનું ચિતરવું ને ઘટનાનું ઘટવું , માંનું મુંઝાવું ને છોકરાનું પોરસાવું. છોકરાએ નિશાળ ચિતરી , તો આખ્ખી વસતી ભણવા માંડી. સૌ કહે , ‘ આ છોકરાએ આપણી ભૂખ ભાંગી....