ચિતારો...


તે દી ઝૂપડીના અંધારામાં
ગરીબડીએ પ્રસવ્યોતો બાળક
એક કોર માંનો આનંદ ને બીજી કોર...
ચિંતા – કેમ આપીશ ખાવાનું બે ટંક?
ગરીબના ગોર છગનદાદાએ જોણું જોયું :
તારો દીકરો ચિતારો થાહે!
બાઇને તો શું સિતારો કે શું ચિતારો?
ભીખ માંગી લાવે તો હાસો તારો વરતારો.
છોકરાનાય દન થયાં મોટાં
ભેગાં કર્યા કરતો છાપાના ફોટાં.
રસ્તામાં કચરા સાથે એક દી કલમ મળી –
છોકરાને જાણે દિવાળી ફળી.
ઝટપટ કાગળ લઇ છાપાનો
ખાલી જગ્યામાં રોટલી ચિતરી.
ઠપ્પાક દઇને રોટલી અવતરી...
આમ જોયું તેમ જોયું, ચારે કોર જોયું
સાલ્લું, આવું કેમ થયું?’
મન ચકરાવે ચડે તે પહેલાં ફરી ચિતર્યુ.
જેમ દોરી તેમ રોટલી મળી,
માં સાથે સાંજે ઉજાણી કરી.
હવે, છોકરો દોરે ને ઘર વસે.
ખપ પુરતું દોરે ને ખપ પુરતું મેળવે.
ઉનાળાના ભર બપ્પોરે છોકરાએ ભારે કરી,
કાગળ ને કલમ લઇ વાદળની ચિતરામણી કરી.
ગડગડાટ વરસીને મેઘરાજે પધરામણી કરી.
છોકરાનું ચિતરવું ને ઘટનાનું ઘટવું,
માંનું મુંઝાવું ને છોકરાનું પોરસાવું.
છોકરાએ નિશાળ ચિતરી, તો આખ્ખી વસતી ભણવા માંડી.
સૌ કહે, આ છોકરાએ આપણી ભૂખ ભાંગી.
ચિતારાની કલમ ઠુંઠવાઇ ગઇ જ્યારે માંએ લીધું રટણ –
કંઇ પણ કર, ચિતર હરિનો જણ.
ન શ્યાહી ટપકી, ન કાગળ ટક્યો
સાચ્ચો માણસ સદીઓથી છે અટક્યો.
હરિ ખુદ ખૂંદી વળ્યા દુનિયાનો કણે કણ,
ન મળ્યો તે ન જ મળ્યો હરિનો જણ.
ચિતારાએ ચિતરામણ મૂકી દીધું.
દુનિયાદારી નું ઉપરણું ઓઢી લીધું.
કલમ ને કાગળ એક તરફ
અફાટ દુનિયા બીજી તરફ.
કોણ અટકી શક્યું છે તે છોકરો અટકે?
હવે એ તે જ કરશે જ્યાં તેનું મન ન ભટકે.
એક દી' છોકરો ટી.વી. જોવા બેઠો
આંખો નચાવતી હિરોઇન ને દિલ દઈ બેઠો.
બસ, પછી શું? ફરી કાગળ ને ફરી કલમ...
તેણે હિરોઇન ચિતરી
ને અપ્સરા તેની સામે ઉતરી.
જોમ, જોશ ને જવાની...
જય જવાની, જય જવાની.!
હાથવગી કલમ, હાથવગું ચિત્તર,
હાથવગું હથિયાર જાણે હાથવગું જંતર.
બે દી થી ચિતારાનું છટક્યું છે.
જે દી થી તેણે યુદ્ધનું દ્રશ્ય જોયું છે.
ધડધડ, ધડાધડ, ફટફટ, ફટાફટ
ઢીંશ્ક્યાંઉ ધૂમ ધૂમ, ઢીંશ્ક્યાંઉ ધૂમ ધૂમ.
આજ આખી દુનિયામાં મચ્યો છે હડકંપ
કહે છે કાલે રાત્રે...
ચિતારાએ અણુંબોમ્બનું ચિતરામણ કર્યું છે.

નિ:શબ્દ...

-     કલ્પેશ ભટ્ટ

Comments

Dilip Bhatt said…
VERY GOOD POEM. GREAT CREATIVE EFFORTS. SUCCEED.
Dilip Bhatt said…
VERY GOOD POEM. GREAT CREATIVE EFFORTS. SUCCEED.

Popular posts from this blog

શાળા પ્રવેશોત્સવ - શિક્ષણની વિસ્તરતી સીમાઓ - પ્રત્યક્ષ અનુભવ

ત્રણ... શોર્ટ ફિક્શન.

પાણીનો મૂળ રંગ લાલ હોય છે...