કોપી ઉત્સવ

પરીક્ષાઓના ભણકારાં વાગી રહ્યાં છે. પરીક્ષાર્થીઓ આખા વર્ષની મહેનતનો નિચોડ કરવા થનગની રહ્યાં હશે. આવી જીવનની પ્રગતિ નિર્ધારિત કરનારી ઘટનાના ઘણી વાર સાક્ષી થવા મળ્યું છે. વર્ષ ૨૦૦૦ માં હજી તો હું શિક્ષક થવા ભણી ડગ માંડી રહ્યો હતો ત્યારે સુજેલા કલ્પનને કાવ્ય સ્વરૂપે ઉતારવા પ્રયત્ન કર્યો હતો. આજે તો તે ઘડીને ૧૬ વર્ષના વાણાં વાઇ ગયા પછી પરિસ્થિતિમાં ચોક્કસ બદલાવ આવ્યો જ હશે એવું હું માનું છુ. હવે તો હું શિક્ષક પણ રહ્યો નથી. હાં, મિત્રો જરૂર છે જે શિક્ષકત્વની ધૂણી ધખાવીને બેઠાં છે. ૧૬ વર્ષ પહેલાં લખેલું નીચેનું કાવ્ય હવે પ્રસ્તુત નહીં જ હોય તેવી ભાવના અને ન જ રહે તેવી પ્રાર્થના છે.
તા. ક. અહીં ગુગલ દેવની મહેરબાની અને મદદથી કેટલીક છબિઓ ઘટનાના વર્ણન સાથે બંધબેસતી લાગી એટલે ચિપકાવી છે. કોઇએ તેના સત્યાપન અંગે પૃચ્છા ના કરવી. સબ કો સન્મતિ મળે એવી અભ્યર્થના સાથે પ્રસ્તુત છે. 

કોપી ઉત્સવ...
આ લ્લે... લે...!
આ તો પરીક્ષા આવી ગઇ...!
કનુએ કહ્યું મનુને
છગને કહ્યું મગનને
સમજુએ કહ્યું મંજુને
કોઇકે કહ્યું કોઇક્ને
ને, માં – બાપે કહ્યું અનેક્ને.
પોલીસવાળાની ચાંદી થઇ
શિક્ષકોનો તો રુઆબ છાપરે ચઢ્યો.
કારોની દોડમ દોડ,
સ્ક્વૉડની પોલમ પોલ.
ઝેરોક્ષ મશીનો રાત – દી કમાય
કોપીઓ, કાપલીઓ, ચીઠ્ઠી – ચબરખી
ને આખેઆખા પુસ્તકો
છોકરા છોકરીઓ સંતાડે જ્યાં જ્યાં સમાય.
ભઇ, બૉર્ડમાં છોકરો – છોકરી ને
માં – બાપ ટેસથી કેમ ઉંઘે?
જે મળે તેને ભલામણ કરે:
ધ્યાન રાખજો, બ્લોક નંબર ચાર
ને પરીક્ષા નંબર છેલ્લો વીશ’.’
તમ તમારે ચિંતા ન કરશો...
કેટકેટલાયને કહેવાયેલા આ વચનો
ફરી કોઇ શિક્ષક, પટ્ટાવાળા, પોલીસવાળા
કે પાણીવાળા બોલે.
પરીક્ષાર્થી તો ભઇ ટેન્શનમુક્ત વાંચનથી...
ને ટેન્શનગ્રસ્ત ઝડપી માઇક્રો ઝેરોક્ષ મેળવવાની ઝંઝટથી...
કોઇ બસ્સો, કોઇ પાંચસો ખર્ચે ઝેરોક્ષ પાછળ,
તો કોઇ ખર્ચે અન્યના ખર્ચા પાણી પાછળ.
નવાં સીવડાવે કપડાં
જે સમાવે કાપેલા સંપૂર્ણ ચોપડાં.
પેપર પહેલાં એક કલાક તો જોઇએ જ ને?
પૂર્વ તૈયારી માટે...!
ક્યાં સંઘરશું? કેમ છેતરશું?
કેમ કાઢીશું? ને કેમ લખીશું?
આ બધી બાબતો પૂર્વ આયોજન માંગે છે.
નબળા મનના માણસો પાછાં પડે છે,
અડગ મનના માણસો
અભિમન્યુની જેમ સાતેય કોઠાં વીંધીને
મોજથી કોપી કરે છે.
સુપરવાઇઝરની શાણી આંખ
તેથી આડા ધરે કાન
ને સાંભળે જો કાન!
તો ધરે આડે ભૂજા કે ભૂલે ભાન.
બહાર બેઠાં વાલી પ્રતિક્ષે કે પછી ઇચ્છે...
કેમ કરી મોકલીએ સાહિત્ય ખુંટતું?
આવી જાય મોજ જો થઇ જાય પેપર અગાઉથી ફુટ્તું.
હવે તો બહુ થઇ છે... બહારથી ક્યાં કંઇ મોકલાય છે?’
મનજીભાઇ કહે રામજીભાઇને.
હાં, જોને મારો ગનીયો... ગ્યા વરહે રય ગ્યો,
નકામીનો સુપરવાઇઝર આવેલો.
જરાક હલે તો હાવજ તાડૂકે એ...મ તાડૂકે
એકાદ પ્રશ્ન જોઇ લેવા દે તો શું થઇ જાય?’
પરીક્ષા સ્થળ જાણે મેળાવડો બને,
કોઇ બેસાડે ડમી તો કોઇ કરાવે કોપી,
જેવી જેની પહોંચ, શરમ પણ પડી જાય ભોંઠી.
કાપલીઓ તો છોકરી જેવી...
દી એ નો વધે એટલી રાતે વધે,
અને લખી લેજો... જેટલી કાઢો એટલી ઓછી પડે
ને, જેમ કાઢો તેમ વધી પડે.
મોડર્ન જમાનો છે ને?!
જાતજાતનાં કિમીયા અમલમાં આવે છે.
દિવાલ પર સરસ્વતી માત
ને સામે કોપીકારોની આખી જમાત.
માતા કહે: જરાક તો કરો શરમ,
કોઇ લાવો અને ઢાંકો મને કપડું નરમ
થાય મને સબ ઠીક હૈ નો રૂપાળો ભરમ!
સઘળું સાહિત્ય લઇને પહોંચેલ
ટીનુ, મીનુ, કનુ, મનુ, છગન, મગન
મંજુ, સમજુ સૌ ભેગાં થઇ
છોડી શરમ, મુકી ભરમ,
ભણતર જાય ભાડમાં,
બૉર્ડ જાય ખાડમાં.
લાખો પ્રયત્ન કરે ભલે સરકાર,
છોડી સઘળી દરકાર
સૌ ઉજવે ભેગાં મળી...
કોપી ઉત્સવ.
સૌ બોલો... જય કોપી માત કી...
પ્રેમસે બોલો... જય કોપી માત કી...
પરીક્ષાર્થી ઘેર આનંદ ભયો...
        જય કોપી માત કી...
કાપલીઓનો થર થયો...
        જય કોપી માત કી...
નિષ્ઠા તારો કાળ આવ્યો...
        જય કોપી માત કી...
ભાગ ભણતર કોપી ઉત્સવ આવ્યો...

        જય કોપી માત કી....

પરીક્ષિત...

- કલ્પેશ ભટ્ટ 


Comments

Unknown said…
Vah.....kalpeshbhai....saras....haju bahu farak padyo hoi tevu lagatu nathi.....dodiya
Kalpesh Bhatt said…
આભાર સાહેબ. શક્ય છે અત્યારે તેનાથી વધુ અને કારગત હથકંડાઓ અપનાવવામાં આવતાં હશે.
omja education said…
એક શિક્ષક તરીકે બિચારો બની જાઉ છુ દર માર્ચ માં ને એટલે જ સુપરવિઝનનું કામ છોડી દીધું છે. જ્યાં વિઝનનો વિરોધ હોય ત્યાં સુપર શું થઇ શકે !
Narendra Rathod
omja education said…
એક શિક્ષક તરીકે બિચારો બની જાઉ છુ દર માર્ચ માં ને એટલે જ સુપરવિઝનનું કામ છોડી દીધું છે. જ્યાં વિઝનનો વિરોધ હોય ત્યાં સુપર શું થઇ શકે !
Narendra Rathod
Kalpesh Bhatt said…
Absolutely right. આમ જૂઓ તો વિઝન જ ક્યાં છે તે એને સુપર કહેવાય?
Anonymous said…
સરસ કલ્પેશભાઈ... શિક્ષકના હૃદયની વ્યથા કાવ્યમાં ટપકી.. સરકારે શિક્ષણની પથારી ફેરવી દીધી છે. કડિયા અને સુથારીકામ તથા અન્ય રોજમદારો કરતા પણ નવા શિક્ષકો ને પાંચ વર્ષ સુધી ઓછું વેતન આપી સરકાર રૂપિયા બચાવ્યાનો આનંદ મેળવે છે. અને આવનારી નવી પેઢીનું આ રીતે ધનોતપનોત નીકળી જાય છે.
Anonymous said…
ડૉ. વિપુલ
Unknown said…
Waah kalpesh bhai waah..khub saras...mja padi vachine
વ્યાસ said…
હવે તો એવી કોપીયૂય ક્યાં થાય છે
Anonymous said…
સાવ સાચું. 2016માં લખાયું, આજે પણ પ્રસ્તુત. ટેકનોલોજી પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આજે જ એક મિત્રની શાળામાં ધોરણ 10નો વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો.
જય સાહિત્ય ગ્રુપ��

Popular posts from this blog

શાળા પ્રવેશોત્સવ - શિક્ષણની વિસ્તરતી સીમાઓ - પ્રત્યક્ષ અનુભવ

ત્રણ... શોર્ટ ફિક્શન.

પાણીનો મૂળ રંગ લાલ હોય છે...