પાણીનો મૂળ રંગ લાલ હોય છે...
મનોજ
ભારતકુમારની શોર ફિલ્મનું – પાની રે પાની તેરા રંગ કૈસા… ગીત તો તમે સાંભળ્યું જ હશે ને?
માણસની
કઠણાઇની વાતો તમે સાંભળી હશે ને?
પાણી
માટે ટળવળતી પ્રજાની જીવલેણ મથામણ તમે અનુભવી છે?
પાણી
વગર તમે કેટલો સમય રહી શકો?
ટી.વી. પર જોયેલ બુંદેલખંડના વિસ્તારોની
હ્યદયદ્રાવક પરિસ્થિતિ શબ્દોમાં વર્ણવતાં પરસેવો છૂટી જાય છે. આ પરસેવો પણ પાણી
જ છે ને ? તેનાથી તરસ છીપી શકે? દેશમાં દુષ્કાળના ઓળા ઉતરી આવ્યા છે એવે સમયે બાળપણમાં
ગામના કૂવેથી હેલ ભરીને, માથે ઉંચકીને આવતી માંને જોઇ છે. તેનું સ્મરણ થઇ આવે છે.
કૂવામાંથી સીંચીને ભરેલું પાણી ઘરે પહોંચાડી સૌની તરસ છીપાવતી માંને પાણી
પીવડાવવાના કેટલાં પૂણ્ય મળ્યા હશે? થાકી જતી માં થોડો પોરો ખાઇને બીજી હેલ ભરવા
નીકળી જતી ત્યારે માંની શકિતને નાની આંખો કૂતુહલવશ જોયા કરતી. થોડે દૂર રહેતાં
ખેડૂતના ઘરે દૂરની વાડીએથી ગાડામાં ટીપણું ભરી પાણી આવતું તે અમને રજવાડું લાગતું
અને દયાભાવી ખેડૂત એકાદ ગાગર પાણી આપે ત્યારે જાણે રાજ મળતું પછી તો પપ્પાની
સાયકલ પર પાણીના ફેરા થતાં થયાં ને કોક દા’ડો બંબો ભરીને પાણી આવતું ત્યારે ગામ
ટોળે વળતું ને વાસણોની બથ્થમ બથ્થીમાં લગભગ અડધું પાણી જમીન પી જતી. ધીરેથી
સમાચાર ફેલાયા કે ગામને પાદર ટાંકો બંધાશે ને નળ નંખાશે..... તે દા’ડાના નળ આંખ્યે
વળગ્યા. કૂવે પાણી ભરવા જતી માં સાથે લઇ જતી અને કોઇ દેવી પ્રગટ થવાની હોય તેવા
ભાવથી નળ વાળી જગ્યા માં બતાવતી ને કહેતી ‘અહીયા નળ નંખાશે’. આવું સાંળભતા
સાંભળતા કાન મોટા થતાં ગયા, સાયકલના કેરીઅર પર અને માંના માથે ભાર વહેંચાતો રહ્યો.
તે વખતે કૂદરત પણ ક્રમ સાચવતો. દર ત્રીજે વર્ષે દુકાળ ઠાલવતો.
ગામની વસ્તીને
પહોંચી વળતો કૂવો દુકાળમાં ડૂકી જતો. અઠવાડીયે – પંદર દિવસે ગામને પાદર બંબો હોર્ન
મારતો ને ગામનું કિડીઆરૂ ઉભરાતું. એક દી’ માંને તાવ એટલે ગાગર લઇ પાણી ભરવા જવાનું
થયું. ગામધણીના છોકરા હાર્યે બોલવાનું થયું. ગાગર ભરતાં આંગળી ચીરાણી પણ કોઇને
કીધું નહીં. પાણીનો ગ્લાસ મોઢે માંડતાં માંએ પૂછયુ, ‘આ પાણી કેમ લાલ છે?’ ત્યારે
ગળાં સુધી આવી ગયેલું કે ‘રોજ તારૂ લાવેલું પાણી પીઉ છું. કોઇ રંગ દેખાતો નથી પણ
એનો મૂળ રંગ તો લાલ જ હોય છે.’
આજ આધૂનિકતાના
વ્યાપમાં દુકાળની અસર કદાચ ઓછી કરી શકાઇ હશે. બંબા ભરી આવતું પાણી ભાક્છૂક ભાક્છૂક
જાહેરાત કરતું ગામડે ફરી વળે છે. તરસ તો છીપાતી જ હશે ને?! પન્નાલાલ પટેલની નવલકથા ‘માનવીની ભવાઇ’ માં આવતી છપ્પનીયા દુકાળની
કરૂણાંતિકામાં તો માં પોતાના સંતાનને ખાતી હોય તેવું બતાવે છે. પણ વાસ્તવમાં તો આપણે માંને ખાઇ
રહ્યા છીએ -
ધરતી માંને... એવું નથી લાગતું? બેંજામીન ફ્રેંકલીન જેવા બહુવિધ પ્રતિભાશાળી
લેખકે કહ્યું છે,
‘જ્યારે કૂવો સુકાય, ત્યારે જ તેનું ખરું મૂલ્ય સમજાય.’ આપણે કેટલાં કૂવા સુકાવાની રાહ જોઇશું?
અંગ્રેજી ફિલ્મોના
ખ્યાતનામ ડાયરેકટર શેખર કપુરે વર્ષોથી ‘પાની’ નામની ફિલ્મની જાહેરાત કરેલી છે.
બસ, કેટલાંક ગામડાંની અને આ ફિલ્મની કિસ્મત સમાન છે. હજુ સુધી ‘પાની’ રીલીઝ જ
નથી થઇ શકી. એમ તો આપણે ‘વોટર’ નામની ફિલ્મ પર પ્રતિબંધ લગાવીને પાણીદાર સંસ્કૃતિનું
જતન પણ કરેલ જ છે ને?
પાણી આમ તો રંગ
વિહીન છે; જે રંગ નાંખો તેમાં ભળી જાય. ઘણાં ગામડાઓ વર્ષોથી પાણી માટે વલખતાં આવ્યા
છે, ઝગડતાં આવ્યા છે, લોહી વહાવતાં આવ્યા છે. હમણાં એક સમાચાર હતાં કે મહારાષ્ટ્રમાં
કોઇ દલિત સ્ત્રીને ગામના કૂવેથી પાણી ભરવા ન દેતાં તેના પતિએ ચાલીશ દિવસમાં કૂવો
બનાવી કાઢયો. પાણી મળ્યું. સલામ છે એ જજબાને પણ તેનું લોહી તો વહ્યું હશે ને? કેનેડીઅન
કવિ ચાર્લ્સ જી. રોબર્ટ્સ લખે છે,
‘પાણી સરસ સેવક છે, પણ ક્રુર માલીક છે.’ અને માલીકીભાવનું માણસજાતને તો યુગોથી આકર્ષણ
રહ્યુંં જ છે ને?
તમને ખ્યાલ જ
હશે પાટણની રાણકી વાવમાં પાણી કેમ આવ્યું હતું.? તમને ખ્યાલ જ હશે ને નર્મદા કે અન્ય
ડેમના નિર્માણમાં કોણે શું ગુમાવ્યું છે? તમને ખ્યાલ જ હશે ને ઉત્તરાખંડમાં
કેવું આભ ફાટયું તું? તમને ખ્યાલ જ હશે ને ઇન્ડોનેશિયા, શ્રીલંકા, તમિલનાડું ને
જાપાનમાં કયારે સુનામી આવ્યુ તું? તમને ખયાલ જ હશે ને કેટલાં પૂર હોનારત થયાં છે? પાણી ધરતીના પેટાળનું હોય, ધરતીના પટ ઉપરનું હોય કે આકાશેથી વરસેલું હોય પાણીનો મૂળ
રંગ કેવો હોય છે? તમને તો ખ્યાલ જ છે ને?
Water stricken...
- Kalpesh Bhatt
Comments
હવે મળતા રહીશું..
પાણી અમુલ્ય છે .........
Nicely express
Bhattsaab
di xuat khau lao dong nhat ban
xuat khau lao dong nhat ban uy tin