મધર ટેરેસા... ચમત્કાર અને સંતપણુ.
નિઃસંદેહ
મધર ટેરેસા દ્વારા કરવામાં આવેલ અનન્ય સેવાકીય પ્રવૃત્તિઓ અને સત્કાર્યો કોઇ
પ્રશંસાના મોહતાજ નથી. તેમની પ્રતિભાને આંબવી કોઇ સામાન્ય માણસ માટે સ્વપ્ન સમાન જ
રહેશે.
કિન્તુ, પરંતુ, લેકિન લાખ ટકે કી બાત યે હૈ કી ભૈયા સત્કાર્યો, સેવા અને સદ્ભાવના ને ચમત્કાર કઇ રીતે ગણી શકાય? આપણે ત્યાં તો હાલતાં કોઇ બાવા અઢળક ચમત્કારો અને પરચા ની વાતો કરતાં ફરે છે. અને આ બધાંને સમર્થન આપતી ગુલબાંગો હાંકનારા પણ પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે. જો બે સિસ્ટરના ચમત્કાર અંગેના દાવાઓ સાચા માનવામાં આવતાં હોય તો બાવાઓના ચમત્કાર અંગેના દાવાઓ પણ માનવા રહે. પરંતુ ત્યાં ચોખલીયો વ્યવહાર રાખનારા શાણપણ ધારકો સિસ્ટરના દાવાઓ સ્વીકારવામાં શાણપણ અનુભવે છે. અગર ગલત હૈ તો દોનો ગલત હૈ. ચમત્કાર એ અનુભૂતિ ની બાબત છે. જે અનુભૂતિ તમને થઈ હોય તે તમારા આચાર, વિચાર, વર્તન, આસપાસનું વાતાવરણ કે જેને અંગ્રેજીમાં milieu (મિલ્યુ) કહેવાય છે, સંગત, વાંચન, પરિસ્થિતિ, આભાસ, માનસિકતા વગેરે ઘણી બધી બાબતો પર અવલંબિત હોય છે. તમને થયેલ અનુભૂતિ વયક્તિક હોઈ શકે સાર્વત્રિક કે સામુહિક નહીં. હાં તેને સર્વ સમાવેશક દેખાડવા માટે તમે પ્રયત્ન ચોક્કસ કરી શકો. અને બહુધા બનતું હોય છે તેમ લોકો શ્રદ્ધા ના ઓઠાં હેઠળ અંધ શ્રદ્ધા ને સ્વિકારી લેતાં હોય છે. સત્ય સાંઈ બાબા જીવિત હતાં ત્યારે તેમનાં ચમત્કાર ના આવા કિસ્સાઓ પ્રસારિત - પ્રચલિત કરવામાં આવતા હતા. તેના તથ્ય વિશે ક્યારેય ચોકસાઈ થઈ હશે નહીં. એવી જ રીતે સાંઇ બાબા વિશે પણ અઢળક કિવદંતીઓ ફરતી હોય છે. મોઢા એટલી વાત સાંભળવા મળશે. હમણાં જ પ્રમુખ સ્વામિજીના દેહાવસાન સમયે પણ ચમત્કારોની ઘણી કહાનીઓ લોકો દ્વારા વર્ણવવામાં આવી હતી. દરેક ધર્મ, સમ્પ્રદાય કે સમાજના લોકો તેમના મહાનુભાવો પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા આવો મનોભાવ રાખતા હોય છે. આવી બાબતોનું યથાર્થપણું ચકાસી કે સત્યાપન કરી શકાતું નથી. કારણ કે અહીં પ્રશ્ન ઉઠાવનાર ગુનેગાર ઠરતો આવ્યો છે. તમે બંધ બારણે મારેલા તાળા આગળ ઉભા રહી બારણાંની પેલે પાર અંદર ના ઓરડા વિશે ગમે તે ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરો લોકો અભિભૂત થઈ માની લેશે. બસ, તમારે એ ધ્યાન રાખવાનું કે બારણું ખોલવાનો પ્રયત્ન કરવાથી કેવું કેવું નુકસાન થઇ શકે, શું પાપ લાગી શકે તેની ભયપ્રેરક, મનલુભાવન કહાનીઓ ઘડ્યે રાખવાની અને કહ્યે રાખવાની. ધર્મપ્રેરિત ભય પ્રજાને આકર્ષક લાગતો હોય છે. પ્રજા ગમે તે હોય, ગમે તેટલી એડવાન્સ્ડ હોય કે ગમે તેટલી વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી હોવાનું લેબલ લગાવીને ફરતી હોય, તેને અગોચર, અલૌકિક અને ચમત્કારની દુનિયા પ્રત્યે આકર્ષણ રહેવાનું રહેવાનું અને રહેવાનું જ એટલું યાદ રાખવું રહે. તમે પેલા બંધ બારણે લાગેલ તાળાને તમારા તર્ક સાથે ખોલવાનો પ્રયત્ન પણ કરશો તો તમારી ચાવી ને જ નહીં તમને પણ ઉઠાવીને ફેંકી દેશે. તમે કદાચ પ્રજાની ચમત્કાર કરી શકવાની ક્ષમતા ને માનતા થઈ જશો.
ફરી વાત
કરીએ તો જે ચમત્કારો થકી મધર ટેરેસા ને સંતપણુ પ્રાપ્ત થવાનું છે તેવા ચમત્કારો ના
દાવા કરનારા ઓ નો કમ સે કમ ભારતમાં રાફડો ફાટ્યો છે. તમામ ધર્મના પ્રચારકો આવા
દાવા કાવા કર્યે જ રાખે છે. એ જ એમનું ગુજરાન છે. એ સૌ પ્રત્યે ચીડ ચડાવનારા ઘણાં
લોકોને મધર ટેરેસાના ચમત્કારોના દાવાઓ પ્રત્યે ચીડ નહીં ચડતી હોય? અને જો એમ જોવા જઇએ તો આપણા ખુદનું હોવું એ
કોઇ ચમત્કાર થી કમ છે? રોજ
બિનચુક ઉગી નિકળતો સુરજ, રોજ
આકાર બદલતો ચંદ્ર, સમયસર બદલાતી
ઋતુઓ, પંખીઓનો કલરવ, આકાશે રચાતું મેઘ ધનુષ, પવનનો તોર, સમુદ્રનો ઘુઘવાટ, તારા
મંડળ, અઢળક અને અનન્ય જીવસૃષ્ટિ
આ બધું જ ચમત્કાર જ તો છે. તમે એ ચમત્કારની અનુભૂતિ કરી છે? ક્યારેય એકલા બેસી ખુલતી સાંજના બંધ બારણે
વાંખેલું તાળું ખોલવા પ્રયત્ન કર્યો છે? તમને ખુદને ચમત્કાર તરીકે જોવાની શ્રદ્ધા કેળવી છે?
સંત કોઇ
પણ હોય, તેમણે તેમના કાર્યો થકી
ઉમદા વ્યક્તિત્વ હાંસલ કર્યું હોય છે. તેમના સંસર્ગમાં એ વ્યક્તિત્વની ઉર્જા તમને
ચમત્કારિક અહેસાસ કરાવી શકે છે. તમે કે હું કે કોઇ પણ ખોટા હોવાનું કહેવાનો મારો
આશય બિલકુલ નથી. પરંતુ સિલેક્ટિવ ચમત્કારનું સમર્થન જરૂર અયોગ્ય છે. આપણી શ્રદ્ધા
અંધ શ્રદ્ધામાં ન પરિણમે એ જોવાની જવાબદારી પણ આપણી જ છે ને? આજ વિશ્વ મધર ટેરેસાના ચમત્કારોને સમર્થન આપવા
જઇ રહ્યું છે. સૌ શ્રદ્ધા ધારકોને અભિનંદન. પરંતુ એ ચોક્કસ વિચારવું રહે કે આ
ચમત્કારને સમર્થન આપવાની પ્રક્રિયા ન હાથ ધરાઈ હોત અને તેમને સંત જાહેર ન કરવામાં
આવે તો શું મધર ટેરેસા ના સત્કાર્યો કે ઉમદા વ્યક્તિત્વમાંથી લગીરેય કશું ઓછું થઇ
જાત? અને આ ચમત્કારને સમર્થન
વખતે મૌન ધારણ કરનાર તમામ શાણપણ ધારકો અન્ય ચમત્કારોના દાવા પ્રત્યે પણ શું આમ જ
મૌનનો ઝંડો ફરકાવશે? એમનું છે
એટલે સાચું છે પણ અન્યનું સમાન વર્તન અયોગ્ય એવી વિભાવના તેઓ ખતમ કરી શકશે?
સાધુ, બાવા, સંત,
મહંત, ફકીર, ગુરુ,
ફાધર, પ્રચારક, બાબા વગેરે આવા જ પોતાના ચમત્કારોના સમર્થનની રાહ જોઈને બેઠાં છે. એમને
ક્યારે સમર્થન આપશો? એમને પણ
આપની ઘૃણામાંથી મુક્ત કરો. સમાન બાબતોમાં કાં તો સૌ સાચા અથવા સૌ ખોટાં એવો માપદંડ
કેમ વિકસાવી ન શકાય? કે પછી
પશ્ચિમ તરફથી ફુંકાતો વાયરો જ વધુ આહ્લાદક લાગતો હોય છે?
ઠીક છે, એક ચમત્કાર તમે પણ કરી શકો છો... આજે તમે જેને સૌથી વધુ ધિક્કારતા હોવ
તેની પાસે જઇ તેનો હાથ તમારા હાથમાં લઈ, તેની આંખોમાં આંખ તેને
કહી જુઓ, 'દોસ્ત, ગઇ ગુજરી માફ. ચાલ નવી શરૂઆત કરીએ. ફરી
એકબીજાના હમદર્દ બનીએ... નવો ચમત્કાર કરીએ.' જો ચમત્કાર ન થાય તો જ નવાઇ. અને આવે ટાણે અસિમ ચમત્કારનો
રચયિતા મધર ટેરેસાની સાથે સ્મિત રેલાવતાં ચોક્કસ પણે તમારી પર આશિર્વાદ વરસાવતો
હશે. હું આવા અઢળક ચમત્કારોમાં માનુ છું, તમે માનો છો?
Saintified...
- કલ્પેશ ભટ્ટ
4/9/2016
11.15 am
Comments
આપની વાત રાખવા બદલ ધન્યવાદ.