ત્રણ... શોર્ટ ફિક્શન.
થુંક
રોજના તેના રસ્તે ચાલતા બરોબર 41 ડગલે એક નાકું પડે અને ત્યાંથી 52 ડગલે એક નાળુ આવે. હવે આવી પાક્કી ગણતરી રાખીને તેને ક્યો મેડલ લેવો હશે, કોણ જાણે! પણ તેનું આ રોજનું કામ. રોજ ગણતરી પાક્કી થાય અને તે કોઇ જંગ જીત્યો હોય તેવો આનંદ તેના ચહેરા પર ઉપસી આવે. પોતે ગામમાં નવો નવો રહેવા આવેલો વીસ વર્ષ પહેલાં. બસ, ત્યારથી આ ક્રમ ચાલું છે. મૂળ તો ગણિત ગમતું એટલે જ ગણતરી ય ગમતી હશે. ડગલા ગણતો નાળા સુધી પહોંચે અને નાળામાં આવેલી કાંટ્યમાં થુંકે. થુંકવું પણ તેના જીવનનો અભિન્ન અંગ હતું જાણે. રસ્તા પર આવેલી પાનની દુકાનવાળા વજુભાઈ આ રોજનિશી જોતાં જોતાં જ વજુડામાંથી વજુભાઈ અને હવે વજુકાકા બની ગયેલા. વજુભાઈ તેને પૂછતાં પણ તે કંઇ કહેતો નહીં. વજુકાકાએ પણ હવે માથાકૂટ કરવાનું છોડી દીધું હતું.
આજ તે નાળા પાસે આવીને અટક્યો. જંગ જીત્યો નહોતો. પાછો વળ્યો. ફરી આવ્યો. ફરી જંગ જીતવાના આનંદ વગરનો ચહેરો. પાછો ફર્યો. ફરી એજ... લગભગ સાતમી વારે જંગ જીતાણો. અને એ જ ઉન્માદ ફરી વળ્યો તેનામાં. 41 વર્ષમાં ન આવ્યું હોય એવું આખું શરીર નિચોવાય જાય એટલું થુંક તેના મોઢામાં આવ્યું અને નાળાની કાંટ્યમાં પિચકારી મારી.
વજુકાકાએ જોયું. 'એલા, આ કોઇ દી પાન ખાતો નથી તો થુંક કેમનું લાલ કાઢ્યું?' વજુકાકાએ દુકાનને ઓટલે બેઠેલા અરજણને પુછ્યું.
'ખબર્ય નય, કાકા. મરવાનો થ્યો લાગે સ,' અરજણે કહ્યું.
એટલામાં તો તે ત્યાં ઢળી પડ્યો. વજુકાકા અને અરજણ દોડતા એની પાસે ગયા. માથું ઉચક્યું. ત્રુટક અવાજે તે બોલ્યો, 'કાકા, આ કાંટ્યમાંથી પરી નીકળે તો કેજો કે પશલો તેની હાંટું થુંકી થુંકીને મરી ગ્યો.' પશલાનો નિશ્ચેતન દેહ વજુકાકાના ખોળામાં પડ્યો છે. વજુકાકાને 20 વર્ષ પહેલાં રમત રમતમાં દુકાને કીધેલી વાત યાદ આવી. 'આ કાંટ્યમાં થુંકે ને એને પરી મળે પરી.' કહે છે હવે વજુકાકા રોજ 41 ડગલાં ચાલીને વળે છે અને 52 ડગલાં આગળ નાળાની કાંટ્યમાં થુંકીને પછી દુકાન ઉઘાડે છે. કોક દી પરી મળે તો પશલાની વાત કરવી હશે કદાચ.
બારણું ખોલતાં જ નીચે સરકાવીને મુકાએલા કવર પર તેની નજર પડી. વર્ષોથી કોઇ કાગળ આવ્યો હોય તેવી ઘટના તેને યાદ ન હતી. તકનીકની દુનિયામાં કાગળ આવે તે કાં તો બીલ હોય અથવા પ્રિમિયમની નોટિસ હોય. તેણે તો આ બધી પળોજણમાંથી પણ મુક્તિ મેળવી લીધી હતી. ઘર, ગામ, સમાજ, વ્યવહાર, સંબંધ... બધું તેણે ક્યારનું છોડી દીધેલું. હવે દૂરની કોઇ ટેકરી પર ઓરડી બનાવીને રહેતા અથર્વને કોઇ જાણતું પણ નહોતું. તો આ કાગળ કોણે લખ્યો? શું હશે તેમાં? તમામ પ્રકારની જિજ્ઞાસાથી પર થઇ ગયેલા અથર્વને આ પ્રશ્ન તેના આશ્ચર્ય વચ્ચે થયો.
કવરની સામે જોઇને તે બેસી રહ્યો. તે પ્રશ્નોથી ઘેરાવા લાગ્યો. શું? કોણે? કેમ? કેવી રીતે? જેવા પ્રશ્નો તેના મનમાં ઉથલપાથલ કરવા લાગ્યા. હળવેકથી કવર ખોલ્યું. તેમાંથી રૂપિયા નીકળ્યા. ગણ્યા. 147 હતાં. એક ચીઠ્ઠી હતી. લખ્યું હતું, 'તારા છે. તે આપેલા. પૈસાનું નહીં પણ કાગળનું મહત્વ છે એટલે મોકલું છું.' નીચે લાલ અક્ષરે લખ્યું હતું તારી અથર્વા. તેણે કેલેન્ડર સામે જોયું. બરોબર આજથી 147 વર્ષ પહેલાં તેણે પોતાના જ હાથે અથર્વાને 147 ઘા મારેલા. અથર્વાના અક્ષરો તેના લોહી જેવા જ લાલ હતાં. અન્ય દુનિયામાં પણ કાગળો લખાતા હશે?!
મર્ડરર
સાંજ પડે તે પહેલાં ઓફિસેથી નીકળતી વખતે ડ્રાઇવરને ફોન કરીને મોહિતે રવાના કર્યો. ઘણાં દિવસે બીએમડબલ્યુ જાતે ચલાવવાની તેને ઇચ્છા થઈ હતી. ઝપાટાભેર લીફ્ટમાંથી કાર તરફ વળ્યો. રસ્તામાં અનુષ્કા માટે ઓર્ચિડ પ્લાઝામાંથી સુપર રીચ બુકે લીધો.
કાળા ભમ્મર રસ્તા પર સિલ્વર કાર સડસડાટ દોડતી અમદાવાદની બહાર નીકળીને બાવળા તરફ આગળ વધી. કેન્સવિલે, ગોલ્ફ કોર્સ, સ્વીમીંગ પૂલ, અનુષ્કાનું આલિંગન અને... બધું તેના મનમાં કોઇ સિનેમાની જેમ વહેવા લાગ્યું. એટલામાં એકદમ ત્વરાથી એક બાઇક તેની આગળ થઈ. 'આટલી બધી શું ઉતાવળ હશે!' મોહિત બબડ્યો. તેના મોબાઈલમાં મેસેજ ફલેશ થયો અને તેની નજર મોબાઇલ તરફ વળી. 'અનુષ્કા...' ધડામ કરતી કાર અથડાઈ. એરબેગ કામ કરે છે એની ખાતરી થઈ ગઈ. જેમ તેમ કરીને કારમાંથી બહાર નીકળીને મોહિતે જોયું તો હમણાં જ આગળ થયેલો બાઇક વાળો તરફડિયા મારતો લોહી લુહાણ પડ્યો હતો. 'ઓહ નો, મેં આ શું કર્યું?' બાજુમાંથી પસાર થતી એમ્બ્યુલન્સ ઊભી રહી અને પેલાને હોસ્પિટલ લઈ ગઈ. પોતાને દોષ દેતો સુન્ન થયેલી હાલતમાં તે ઊભો રહ્યો. 'આઇ એમ અ મર્ડરર' તેણે પોતાને કહ્યું.
સલમાન ખાન, કોર્ટ કેસ, જેલ, હાડમારી, અનુષ્કા અને વિખરાતુ ભવિષ્ય રોડની કાળાશમાંથી ઊભા થઇને તેની અંદર ઘુસી ગયા. આજુબાજુ ભેગા થયેલા લોકો તેની સામે ઘૃણાથી જોઇ રહ્યા હોય તેવું તે અનુભવી રહ્યો હતો. પોતે વિલન બની ગયો હતો. બાઇક પાસે પડેલ વોલેટ ઉંચક્યુ. ખોલ્યું. તેમાં પોતાનો ફોટો જોઇને તેને ઝટકો લાગ્યો. ફોટાની પાછળ લખ્યું હતું, 'કીલ હીમ.' અને હસ્તાક્ષર હતાં અનુષ્કાના.
- કલ્પેશ ભટ્ટ
Photo courtsey google image
Comments
સતત નવું લખતા રહો તેવી શુભકામના
Really wonderful.
થૂંક......
અદભુત...જે પણ વાંચે,
લાગે જાણે પોતાની જ વાત.
જાણે પોતાની પ્રતિક્ષાની જ વાત....
,,👌
નિમરોદ ક્રિસ્ટી.
क्या सर,
डरा दिया.....😊👌
क्या यही दुनिया का सच है😢?
,👏👏👏
Thank you dost. Varata vanchi ne samaji ne mulavani karava badal aabhar. sau mitro ne gami rahi chhe te aanand ni vaat chhe. Readers always rule.
Thank you. I will take that in mind.