ચતુષ્કોણ... 'દેહ વ્યાપાર' અને અન્ય શોર્ટ ફિક્શન.

દેહ વ્યાપાર



અંધારી ગલીમાંથી પસાર થતાં રસ્તા પર સંવનન કરીને ફેંકાયેલા કોન્ડોમમાંથી પુરુષત્વની બુ આવતી હતી. એસીપી સ્નેહા સાદા પહેરવેશમાં કૂટણખાનુ પકડવા નીકળી હતી. ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાનો વખત નહોતો એટલે પછી કહીશ એમ વિચારીને બે કોન્સ્ટેબલ સાથે ઉચ્છરંગી કપડાં પહેરીને નિકળી પડી. શહેરની આ ગલી ઘણાં સમયથી બદનામ બની રહી હતી. દેહ વ્યાપારની વ્યાપક વાતો વાતાવરણમાં વહેતી હતી. 'કોઈ ફરિયાદ કરે તો જ પોલીસ દોડે એવું શું કામ?' યુવાન એસીપી આ વિચાર સાથે દુનિયા સામે બાથ ભીડવા નીકળી પડી.
'આવવું છે?' પોતાની એકદમ નજીક અચાનક આવી ગયેલા બદબુદાર શખ્સે સ્નેહાને પૂછ્યું. તેણે કંઇ જ જવાબ ન આપ્યો એટલે પેલો ચાલવા માંડ્યો. સ્નેહા હજી આગળ વધે તે પહેલાં જ તેનો હાથ કોઇએ પકડ્યો. પાછળ ફરીને જોયુ તો એક રૂપલલના ઊભી હતી. 'કેમ, પ્રેમ શોધવા નીકળી છો?'
'ન.. ના..' સ્નેહા થોથવાઇ ગઇ.
'તો ઘરાક કેમ જાવા દીધો?'
'ગંધાતો તો' સ્નેહાએ સંભાળતા કહ્યું.
''હવે, જ્યાં ધંધો જ ગંધાતો હોય ત્યાં માણસની ગંધને શું રોવાનું? ઘડીનો ખેલ, ને લઇ લો હાથનો મેલ.' ધડધડ ગોળીઓ વછૂટે તેમ તે બોલી ગઇ. સ્નેહાને હજી આગળ જવું હતું બાતમી વાળી હોટલ હજી થોડી દૂર હતી. એટલે તેણે ડગલું માંડ્યું.
'પોલીસથી ચેતજે. પેલી સ્નેહાથી ખાસ. એ તારા જેવી લાગે છે.' કહેતી પેલી ચાલી ગઈ. 'શું તે મને ઓળખી ગઇ હશે?' સ્નેહા વિચારતી રહી.
ગઇ રાત્રે તેના મોબાઈલ પર પ્રાઇવેટ નંબર પરથી મેસેજ આવેલો. 'ચેતતી રહેજે. તું જે વિસ્તારમાં કામ કરે છે તે દેહ વ્યાપારનો અડ્ડો છે.' અને સ્નેહાએ આ અડ્ડાને ખુલ્લો પાડવાનું નક્કી કર્યું.
થોડી જ વારમાં હોટલ પર પહોંચી. દરવાજા પર જ એક ગ્રાહકે પકડી લીધી. છટકવાના ફાંફાં મારતી સ્નેહાના ગાલ પર સણસણતો લાફો ઝીંકાયો. એ માણસ પેલો ગંધાતો માણસ જ હતો. તેની પાછળ પેલી બે કોન્સ્ટેબલ આવી ને ઊભી રહી. સ્નેહાને કળ વળે તે પહેલાં તો રસ્તામાં મળેલી રૂપલલનાએ તેના વાળ ખેંચીને ઢસડી.
'સાલી... ચાલ આજ તને કૂટણખાનુ બતાવું.' કહેતાં અધખુલ્લા દરવાજા ખોલતી દેહ વ્યાપારમાં મસ્ત વ્યાપારીઓ બતાવતી સ્નેહાને ઢસડીને મોટા હોલમાં લઇ ગઇ. ત્યાં એક ટીવી પર પચ્ચીસ ત્રીસ ફોટો હતાં. તેના તરફ ઇશારો કરતાં લલનાએ કહ્યું, 'આ બધી તારા પાપે દેહ વ્યાપાર કરે છે. તેના બાપના કે પતિના ધંધા તે છીનવી લીધા છે.'
'પણ, એમાં હું... ક્યાં? એ તો આદેશ...'
'ચૂપ છીનાળ. આ જો.'
બીજું ટીવી ચાલું થયું તેમાં સ્નેહા અને મંત્રીશ્રી રંગીન પરિસ્થિતિમાં રત હતાં.
'કોને કહેવાય દેહ વ્યાપાર, બોલ? કોણ ગંધાય છે, બોલ?' પેલા ગંધાતા માણસે મોઢું સાફ કર્યુ. સ્નેહાની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ. તેનો પતિ સામે ઊભો હતો. ગંધાતો.

થાળી


‌હોસ્પિટલના સ્પેશ્યલ વોર્ડ પાસે હલચલ હતી. સરપંચના દીકરાની વહુ ને સારા દિવસો હતા અને હવે સુવાવડ ઢૂકડી હતી. પેટમાં ઉપડેલા શૂળને લીધે વહુ કરાહતી હતી ને સામે બેઠેલી સાસુ થોડી મુંઝાતી ને વધુ હરખાતી હતી. વોર્ડની બહાર બેઠેલ સરપંચ મૂંછે વળ દેતાં સોમજી ની બૈરી છોકરો જણે તેની રાહ જોતા હતા. સોમજી રઘવાયો થયો હતો. છોકરો આવે કે છોકરી પણ જો તેની મંજુડીને કાંઇ થ્યુ તો પોતે જીવી નહીં શકે તેવો સંતાપ મનમાં લઇને આમતેમ આંટા મારતો હતો. થોડી જ વારમાં કરાહતી મંજુડીને લઇને સ્ટ્રેચર ઓપરેશન થિએટર ભણી રવાના થઈ.
‌સૌરાષ્ટ્રમાં પ્રથા છે કે છોકરો આવે એટલે સૂયાણી થાળી વગાડે અને બહાર બેઠેલા સૌને જાણ થાય કે વારસદાર જન્મ્યો. હવે તો હોસ્પિટલની ડીલીવરીના વ્યાપે આ પ્રથા જ તોડી નાંખી છે. પણ સરપંચે ખાસ જહેમત લઇને ગામમાંથી સૂયાણીને બોલાવી રાખી હતી. સરપંચની લાજ કાઢીને સૂયાણી ઓપરેશન થિયેટરમાં પહોંચી ગઇ. સરપંચની વહુની ડીલીવરી હતી એટલે ડોક્ટર્સને ઇચ્છા હોવા છતાં વાંધો ન લીધો.
‌ઓપરેશન થિએટરની બહાર ચાલુ લાલ લાઇટ સોમજીના ઉદ્વેગ સાથે મેચ થતી હતી. તે મંજુડીને જાણે અહીંથી જ કહી રહ્યો હતો, 'જીવતી રે'જે. વરહો ના વરહ હજી હાર્યે કાઢવાના છે.'
‌એટલામાં દરવાજો ખૂલ્યો ને સૂયાણીની વાગતી થાળીએ સરપંચની છાતી ગજ ગજ ફુલાણી. સોમજી થિએટર ભણી દોડ્યો પણ નર્સે અટકાવીને ઇશારાથી ધરપત આપી. સરપંચનુ આખું કુટુંબ આનંદિત થઈ ઉઠ્યું. સરપંચે પાંચસો ની પાંચ નોટ કાઢીને સૂયાણી તરફ હાથ ફેલાવ્યો. સૂયાણીએ થાળી ચત્તી કરીને એમાં રહેલા લોહીના ડાઘથી નોટ પર ચાંદલો કર્યો અને લાજ ઉતારી. સૂયાણીનું મોં જોતાં જ સરપંચના પગ તળેથી જમીન સરકી ગઈ.
‌'લે આ તારા જ ગગલાનું લોહી છે. તને લોહી સાથે ભાયબંધી છે ને સરપંચ? આ એ જ થાળી છે જેમાં મારો ધણી જમતો તો ને તે લોહીની ઉલ્ટી કરાવી તી. હવે તારા ગગલાનું લોહી પણ તેમાં ભળ્યુ છે. આજીવન સરપંચ રહીશ તું. આ લે બક્ષિસ.' કહીને સૂયાણીએ નોટોનો ઘા સરપંચના મોં પર કર્યો. જોર જોરથી થાળી વગાડતી સૂયાણી ત્યાંથી નીકળી ગઇ. ગગલાનો રડવાનો અવાજ સંભળાયો પણ સરપંચ સુન્ન હતો. જેને સરપંચ થવાનું હતું તેને ઝેર પાઇને ઢાળી દીધો પણ એની બૈરી સરપંચની મૂંછોના વળ ઉતારતી ગઇ. ઈ ધારત તો ગગલાને, મંજૂને અને એમ સોમજીને ઢાળી દીધાં હોત. હવે સરપંચ રોજ હોસ્પિટલ પર આવે છે ને ડીલીવરી પછી થાળી વગાડે છે. સૂયાણી હવે ગામની સરપંચ છે.

છીંક



જ્યારે પણ કંઈક કામ કરવાનું હોય એટલે તે ચિંતામાં રહેતો. તેની તબિયત ખૂબ જ નાજુક. હાલતા શરદી થઈ જાય. એટલે કોઈ કામની શરૂઆત થવાની હોય અને તેની મુંઝવણ ચાલુ. રખેને ક્યાંક છીંક આવી જાય ને કામ બગડે તો? જન્મથી વારેવારે બોલાયેલી આ અંધશ્રદ્ધા તેનામાં ઘર કરી ગઈ હતી. તે એટલે જ કોઈ સારુ કામ થવાનું હોય ત્યારે ત્યાં જવાનું ટાળતો. તે પોતાના માટે આવતા માંગા પણ આ જ બીકે નકારી દેતો.
'છીંક નહીં ડાકણ છે જાણે. મારો પીછો જ છોડતી નથી.' ગામને પાદર આવેલા વડલાની ડાળે બેઠાં બેઠાં તે બબડયો. 'તઇં હું?' મીઠા રણકાર જેવો અવાજ તેને કાને પડ્યો. 'કોણ?' કહેતાં તેણે આસપાસ નજર ફેરવી પણ કોઇ ન દેખાયું. માથું ખંજવાળતા તે નીચે ઉતર્યો અને હસવાનો અવાજ તેને સંભળાયો. તે ગભરાયો અને દોટ મૂકીને ભાગ્યો. વડલાની વડવાઇઓ જાણે ડાકણ બની ગઇ. એટલામાં તેને ફરી છીંક આવી. એની પાછળ અવાજ સંભળાયો, 'ક્યાં આવ્યો આ છીંકણીયો, આજ તો કૂવે પાણી મળે તોય હારું.' પાછળ જોયા વગર તે પોતાને દોષ દેતો ચાલવા માંડ્યો. ઘરે પહોંચતા ખબર પડી કે એક માંગુ આવ્યું છે અને ઇ લોકો થોડી જ વારમાં જોવા આવે છે. ભવાને ઘણી આજીજી કરી કે રહેવા દો પણ ઘરવાળા ન માન્યા.
એટલામાં તો સામેવાળા આવી પહોંચ્યા. છોકરી તો ભવાને ધાર્યા કરતાં ય દેખાવડી હતી. ભવાન અંદર ને અંદર ફફડતો હતો ક્યાંક છીંક આવી જાય અને ચાંદલો કરવા આવેલી લક્ષ્મી ચાંદલો કરવા હાથ લંબાવે તે પહેલાં જ ભાગી જાય તો? સામે બેઠેલી કન્યા તેની ફજેતી કરતી ભાગતી હોય અને બીજા બધાં તેના પર હસતા હોય તેવી ભયંકર કલ્પના તેના મનમાં ચિતરાવા લાગી. તે ઊભો થવા જતો હતો પણ તેના બાપાએ રોક્યો એટલે બેસી રહ્યો. છોકરીના બાપાએ કહ્યું, 'દીકરી અમારી જીદ લઇને બેઠી છે કે પરણે તો તમારા ભવાનને, નહીંતર નહીં.' અહો આશ્ચર્યમ્! સૌ કોઇ આ માનવા તૈયાર ન હતું. 'મારી હાર્યે?'  ભવાને છીંક અટકાવતા પૂછ્‌યું.
'તંઇ હું, ઓલ્યા વડલા હાર્યે?'
ભવાન તો ધબકારો ચૂકી ગયો. આ તો એ જ વડલા પાસે સાંભળેલો અવાજ. 'તંઇ હું?' નો મીઠો લાગતો રણકાર તેના કાનમાં પડઘાવા લાગ્યો. તે ઊભો થઇ ગયો. વડલા ભણી દોડ્યો. પરસેવે રેબઝેબ ભવાને હાથના નખ ઉખડી જાય તેવી ઝડપથી વડલાના મૂળિયા ખોદી નાંખ્યા. નીચે દટાયેલી ચૂંદડી ને હાડકાં હાથ લાગ્યા. દસ વર્ષ પહેલાં ગામની સાત વર્ષની છોકરી નામે સગુણા ગુમ થઈ ગયેલી. ભવાનને પૂછ્યું તો તેણે છીંક ખાઈને કીધું મને ખબર નથી. ગામ વાળાને તેની છીંક અપશુકનિયાળ જ લાગતી. તે દી ભવાનમાં હવસે આદમખોર રૂપ ધારણ કર્યું અને સગુણાને વડલાની આડશમાં લઇ ગ્યો. સગુણાએ બાળ સહજ પૂછ્યું, 'મજા આવશે?' ને ભવાને કીધું 'તંઇ હું?' ભવાન એકલો જ જાણતો હતો કે તેનું માંગું લઇને આવેલી કન્યા કેમ તેને પરણવા માંગતી હતી. ભવાનને છીંક અટકવાનું નામ નહોતી લેતી. હવે શરદી નહીં પણ નાકમાંથી લોહી નીકળતું હતું. તે ખાડો ખોદતો જ રહ્યો. છીંક ખાતો રહ્યો અને ઢળી પડ્યો. ત્યાંથી પસાર થતાં કોઇકે એમ જ પૂછ્‌યું, 'આ મરી ગયો કે હું?' વડલાની વડવાઇ પાછળથી મીઠા રણકાર જેવો અવાજ આવ્યો, 'તંઇ હું? હાહાઆઆઆ ક્ છીં...'


મર્ડરર - 2



ટેબલ પર પડેલા બધાં કવર એક પછી એક ચેક કરીને તેણે ફોલ્ડરમાં રાખ્યા. પછી નીચે પડી ગયેલુ લાલ કવર ઉંચક્યુ. આમ તેમ ફેરવ્યુ. કશુંક અલગ લાગી રહ્યું હતું. તેણે કવરને ટેબલ પર મૂક્યું અને ધારદાર કટરથી અંદર રહેલ કશું કપાય નહીં તે રીતે કવર ખોલ્યું. તેને કોઈ વાતે ઉત્સુકતા થાય એવું બનવાનું વર્ષોથી બંધ હતું. તેની કડક નજર કરડાકીથી જ જોતી. બસ, એવી જ રીતે આ કવર પણ તેની નજરનો શિકાર બન્યુ.
કવરમાંથી એક ફોટોગ્રાફ નીકળ્યો અને એક ચબરખી હતી જેમાં લખ્યું હતું, 'આ કંઇ પ્રેમ સંદેશ તો નથી જ.' તેને કોઈ પ્રેમ સંદેશ મોકલે તેવો યુવાન તો તે હવે રહ્યો ન હતો. પાકટ વયે શું પ્રેમ હોય? હોય તો થોડીક વાસના, ઘણો બધો સ્વાર્થ અને થોડીક મજબૂરી હોય તેવું ચોક્કસ તે માનતો.
હજી ગઇકાલે જ લક્ષ્યદ્વિપ ટાપુ પર એકદમ સુંવાળપથી ખંજર હૂલાવીને આવ્યો હતો. તેના કોઇ કારસ્તાન પછી ખંજર પર સ્હેજ પણ ડાઘ રહે નહીં. ખંજર હૂલાવવામાં તેને મહારત હતી અને એટલે જ તે તમામ ઉચ્ચ સમુદાયોમાં પ્રચલિત હતો.
તે ફોટોગ્રાફને તાકીને જોઇ રહ્યો. આખા ચહેરાનું સ્કેનિંગ કરીને અલગ અલગ એંગલ તેના દિમાગમાં બેસાડ્યા. દરેક સ્ત્રી પર ખંજર હૂલાવતા પહેલાં તે અચૂક તેના ફોટોગ્રાફને ચૂમતો. આજ પણ તેણે ચૂમ્મી ભરી. 'આવી ખંજનવાળી મનમોહક લાગતી છોકરીને કોણ, શું કામ મારવા ઇચ્છતું હશે?' તેને પોતાની આદત વિરુદ્ધ આવો વિચાર આવ્યો.
સાંજના ઘેરા થતાં અજવાળામાં મરિન ડ્રાઇવ પરની આલીશાન હોટેલના દસમાં ફ્લોર પરના રૂમમાં કોઇ ચીસ પણ ન સંભળાય તેવી સિફતથી તેણે ખંજનવાળી છોકરીના ગળા પર ખંજર હૂલાવી દીધું. ગળામાંથી વછૂટતી લોહીની ધારા તે જોતો રહ્યો. પછી સડસડાટ બહાર નીકળી ગયો. તે ક્યારેય કોઈ સબૂત કે ચિહ્ન છોડતો નહીં. પોતાની કારમાં બેઠો. ડેશબોર્ડનું ડ્રોઅર ખોલ્યું. ખંજર મૂક્યું. હાથમાં એક બીજું કવર લાગ્યું. ગઇકાલે આવેલું એવું જ લાલ કવર. ખોલ્યું. એ જ અક્ષર.
'બબ્બન, ખંજર હૂલાવવામાં મજા આવી હશે ને? કોઈ પોતાના અને એ પણ 21 વર્ષ પહેલાં છૂટી ગયેલ જેનો ચહેરો પણ યાદ ન હોય તેવા વ્યક્તિ પર ખંજર હૂલાવવાની મજા હોય છે. પ્રેમ તો તું સમજ્યો નથી એટલે જ એ કોઈ પ્રેમ સંદેશ નહોતો. - તે તરછોડેલી તારી હસીના. મેં મારા પર અને તે આપણી દીકરી પર ખંજર હૂલાવી દીધું છે. શોધીશ નહીં.' પહેલી વાર ધ્રુજતા હાથમાંથી કવર નીચે પડ્યું. તેમાંથી નીકળેલાં ડીએનએ રીપોર્ટમાં બબ્બન અને 21 વર્ષની અંજલિના ડીએનએ મેચ હતાં. બબ્બનના ગળામાંથી વછૂટેલી લોહીની ધાર કારમાંથી ટપકી રહી હતી.

- કલ્પેશ ભટ્ટ 

Image courtesy: Google Images

Comments

Tarang said…
Very Poignant writing. It couldn't let me keep my cell put down until I finished all. Keep it up Sir.
Kalpesh Bhatt said…
Thank you Tarang. It is heartening that the stories are liked by many friends like you. Thank you for sparing time to read.
This comment has been removed by a blog administrator.

Popular posts from this blog

શાળા પ્રવેશોત્સવ - શિક્ષણની વિસ્તરતી સીમાઓ - પ્રત્યક્ષ અનુભવ

ત્રણ... શોર્ટ ફિક્શન.

પાણીનો મૂળ રંગ લાલ હોય છે...