શાળા પ્રવેશોત્સવ - શિક્ષણની વિસ્તરતી સીમાઓ - પ્રત્યક્ષ અનુભવ


          વર્ષ 2017 માટે ના કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ અન્વયે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં જવાનું થયું. તારીખ 8-9-10/6/2017 ના રોજ પ્રતિ દિન 3 લેખે કુલ 9 શાળાઓની મુલાકાત લીધી જેમાંથી 6 પ્રાથમિક શાળા અને 3 માધ્યમિક શાળા હતી. તમામ શાળાઓમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ જોવા મળ્યું. નાના ભૂલકાઓ ઘરની કાળજીભરી કુમાશમાંથી શાળાના નવિન પરિસરમાં પ્રવેશ કરતાં હોય, નવા લોકો અને નવા બાળકોની સાથે જોડાતા હોય, માતાના ખોળાની હૂંફ છોડીને શિક્ષણના દ્વારે વિસ્મય લઇને ઊભા હોય આવી અલભ્ય ઘટનાને ઋજુતાથી ઉજવવી જ રહે. આ ઉજવણીમાં બાળકોમાં સમગ્ર ઘટના પ્રત્યે ફરજિયાતપણાની ભાવના ન વિકસે અને તેઓ મોકળા મને તેમના જીવનમાં આકાર લેવા જઇ રહેલી આ ઘટના પ્રત્યે પુખ્ત જાગૃતિ વિકસાવ્યા વગર માણે તે ખ્યાલ સરકાર દ્વારા રાખવામાં આવે છે તે આનંદપ્રેરક અવસર છે. મેં તમામ જગ્યાએ બાળકોના વિસ્મયને ક્ષતિ પહોંચાડ્યા વગર તેમને સહ્રદય આવકાર્યા. આ આવકારની પ્રક્રિયામાં શાળાના આચાર્ય, શિક્ષકો, ગામના આગેવાનો અને ગ્રામજનોને પણ જોડ્યા જેથી તેઓ પણ આ પ્રવેશોત્સવને પોતાનો કાર્યક્રમ સમજે અને માત્ર ઔપચારિક વિધિ જ ન માને. અધિકારી તો એક કાર્યક્રમમાં આવીને જતાં રહે પણ રોજિંદુ કામ જે લોકોએ કરવાનું છે એ તમામને મહત્વ મળી રહે અને તેમના ભાગે આવનાર કામ નિષ્ઠાથી બખૂબી નિભાવે એટલે એ તમામના હસ્તે પણ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો. સૌના હસ્તે બાળકોને કીટ અને અન્ય વસ્તુઓનું વિતરણ કરાવ્યું. બાળકોને ઇનામ પણ એ જ રીતે આપ્યા.
        મારા વક્તવ્યની શરૂઆત તમામ જગ્યાએ બાળકોમાં જોશનો સંચાર થાય તે માટે તેમની પાસે 'હીપ હીપ હુરર્રરે',  'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ્' બોલાવીને કરી. ત્યારબાદ સૌને અભિવાદન કરીને શિક્ષણના સામુહિક યજ્ઞમાં જોડાવા સૌને આમંત્રણ આપ્યું. શિક્ષણ એ માત્ર શાળામાં ઘટતી ઘટના નથી પરંતુ સમગ્રતયા સતતપણે નિરંતર શરૂ રહેતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ચોક્કસાઇથી સફળ થાય તે જોવાની જવાબદારી શાળા ઉપરાંત માં-બાપ, ગ્રામજનો અને સમાજની છે. સરકાર શ્રેષ્ઠ પ્રયત્નો થકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માનવબળ અને શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી હોય ત્યારે એને શ્રેષ્ઠ પરિણામ સુધી લઈ જવાની જવાબદારી આપણા સૌની છે. આથી સમયાંતરે શાળાની મુલાકાત લઇને આપના બાળકો માટે પ્રવૃત્ત શિક્ષકોને મળીને હાલચાલ પૂછવા જરૂરી છે. આપની વ્યવહારું મુલાકાત તેમના કાર્યબળ અને વિશ્વાસમાં વધારો કરવા પુરતી છે. માણસને હંમેશાં પૈસાની નહીં પણ સધિયારાની જરૂર હોય છે. બસ, આપણે આવો સધિયારો આપતાં રહીશું તો કાર્યનિષ્ઠ શિક્ષકો તેમની ક્ષમતા બેવડાવીને પણ શ્રેષ્ઠ કાર્ય કરવા કટિબદ્ધ બનશે. એમ જણાવી ગામના વડીલોને શાળાના ઉત્કર્ષ માટે તૈયાર રહેવા આહ્વાન કર્યું જે સૌએ વધાવ્યુ.
     શાળામાંથી અભ્યાસ કરીને આગળ વધેલા ગામના યુવાનોને બિરદાવ્યા. શાળા પ્રવેશ માટે જે બાળકો આવ્યા હતા તેમાંથી મોટાભાગના બાળકોની માતા પ્રવેશોત્સવમાં મોજુદ હતા. તમામ પ્રવેશ મેળવનાર બાળકોને અભિનંદન આપ્યા અને સાથે સાથે તેમના માતા પિતાને પણ અભિનંદન પાઠવ્યા. આપણે ત્યાં પ્રણાલી છે કે બાળકના નામ પાછળ તેના પિતાનું નામ લાગે છે માતાનું નહીં. જો કે બાળકના વિકાસમાં માતાનો અદ્ભુત ફાળો હોય છે એટલે એ તમામ માતાઓને કમ સે કમ આજ તો તેમનો હક મળવો જોઈએ ને? આથી તમામ બાળકોના નામ પાછળ તેમની માતા અને ત્યારબાદ તેના પિતાનું નામ ઉચ્ચારીને સૌ માતાઓનું અભિવાદન કર્યું. તમામ માતાઓ તો ખુશ થઈ જ પણ સૌએ આ અભિગમને ખુબ આવકાર્યો. સાથે સાથે તમામ માતાઓને હોમવર્ક પણ આપ્યું કે 'જ્યારે પોતાનું વહાલસોયુ બાળક શાળાએથી ઘરે આવે ત્યારે તેને વહાલ કરીને પૂછવાનું કે બેટા આજે શાળામાં શું નવું શીખવા મળ્યું? મને પણ શીખવાડ ને? જો આવું કરશો ને તો બાળકને થશે કે મારી માં મને આજ પૂછશે તો એના માટે હું કંઇક શીખીને જાઉં અને એવી ભાવના બાળકના મનમાં વિકસશે અને તે સહજતાથી શિક્ષણ મેળવવા પ્રેરાશે. તો બોલો સૌ કરશો ને આવું હોમવર્ક?' આનંદની વાત એ હતી કે સૌ માતાએ હોમવર્ક કરવા માટે તૈયારી બતાવી. ત્યારબાદ સરકારના શિક્ષણ યજ્ઞ માટેના પ્રયત્નો અને તે સંદર્ભની યોજનાઓથી સૌને વાકેફ કર્યા.
         વક્તવ્ય બાદ શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. તમામ શાળામાં વૃક્ષારોપણ માટે શાળાના એક બે બાળકોને મારી સાથે જોડીને વૃક્ષારોપણ કર્યું. તે બાળકને એ વૃક્ષ ઉજરે તે માટે તેનું જતન કરવાની જવાબદારી સોંપી અને તે વૃક્ષને જે બાળક જતન કરે તેનું નામ આપ્યું અને એ માટે શાળાના આચાર્યને પણ જણાવ્યું. એમ પણ કહ્યું કે આવતા વર્ષે હું આચાર્ય સાહેબને ફોન કરીને પૂછીશ કે તે બાળકનું વૃક્ષ ઉછર્યુ કે નહીં? આ પડકારને તમામ જગ્યાએ વિદ્યાર્થીઓએ ઝીલી લીધો. અને આમ તમામ વૃક્ષને નામ સાથે જતન કરનાર પણ મળ્યા તેનો આનંદ થયો.
       શાળામાં ત્યારબાદ મૂલ્યાંકન હાથ ધર્યું. ઔપચારિક લાગતું આ કામ શૈક્ષણિક જાગૃતિ માટે અત્યંત અગત્યનું છે. બાળકોનું પરીક્ષણ બરોબર થાય તે માટે આ પ્રક્રિયા ઘણી રીતે ઉપયોગી છે. મૂલ્યાંકન વખતે બાળકો ભય રાખ્યા વગર તેમની આવડત દર્શાવે તે રીતે સહજતાથી પ્રશ્નો પૂછ્યા. ત્યારબાદ શિક્ષકો સાથે થોડી ચર્ચા કરી અને શિક્ષણ વિશે વાતો કરી. શિક્ષકોએ એકબીજાને સહકાર આપીને બાળકોમાં રહેલી ઉણપ દૂર કરવા કાર્ય કરવું રહ્યું. પ્રાથમિક શાળાના શિક્ષકોએ માધ્યમિક શાળાના શિક્ષકોને પોતાને ત્યાં આમંત્રિત કરીને વિશિષ્ટ વર્ગો ચલાવવા તથા માધ્યમિક શાળાથી માહિતગાર કરવા જોઇએ. તેવી જ રીતે પ્રાથમિક શાળાના શિક્ષકોએ માધ્યમિક શાળામાં પણ જવું જોઇએ. આપને ત્યાં આઠેક વર્ષ અભ્યાસ કરીને ગયેલ બાળક ના હાલચાલ પૂછવા પણ જવું જોઇએ. નવા માહોલમાં બાળક સેટ તો થઇ ગયું છે ને? એવો સહજ ભાવ આપણને થાય ને? એક જીવતું જાગતું ધબકતું બાળક આપણા હાથ નીચે તૈયાર થઈ ને અન્ય શાળામાં ગયું છે ત્યાં તેને ફાવી તો ગયું ને? એ જાણવાની આપણને સ્હેજે તાલાવેલી તો થાય જ. મેં વર્ષ 2011 માં સેકન્ડ હેન્ડ કાર ખરીદેલી. જેમની પાસેથી લીધેલી તે એન્જિનિયર મને દર વર્ષે ફોન કરીને ચોક્કસ પૂછે છે કે કાર બરાબર ચાલે છે ને? કોઈ તકલીફ તો નથી ને? એ કાર લકી છે. તેનાથી અમે ઘણા સમૃદ્ધ થયા. તમે પણ સમૃદ્ધ થશો જ. અમે એને ખૂબ સાચવી છે. હવે જ્યારે નિર્જીવ વસ્તુ માટે પણ જો માણસને આટલો લગાવ હોય, આટલી કાળજી લેતાં હોય તો આપણે તો જીવતા જાગતા બાળકને આપણી સામે ઉછેરીને માધ્યમિક શાળામાં મોકલ્યું હોય એના પ્રત્યે લગાવ - કાળજી હોય જ ને? માધ્યમિક શાળાના શિક્ષકોને તેમની શાળામાં બાળકો જ્યાંથી આવવાના છે તે પ્રાથમિક શાળા સાથે સંપર્ક વધારવા કહ્યું. ત્યાંના બાળકો આપણાથી પરિચિત થશે તો આપણી પાસે આવતા અચકાશે નહીં. વળી, સમયાંતરે જો આપણે ત્યાં જઈને બાળકોને માર્ગદર્શન આપશુ તો આપણે ત્યાં આવતા તેમનામાં રહેલી જે ઉણપ આપણને ખૂંચે છે તે બહુધા નિવારી શકાશે. શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે આટલા પ્રયત્નો તો કરવા જ રહ્યા. મોટી નિશાળ, મોટા સાહેબો વગેરે જેવો ભાવ આપણામાંથી અને આપણા પ્રત્યે પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોમાંથી દૂર થાય એટલા માટે પણ અરસપરસ ની મુલાકાતો જરૂરી છે. સૌ સહિયારા પ્રયત્નથી સફળ થઇએ તેવી શુભેચ્છા.
         તમામ શિક્ષકોને તેમના પ્રશ્નો અને સમસ્યાઓ વચ્ચે પણ શ્રેષ્ઠ કાર્ય કરવાની કટિબદ્ધતા બદલ અભિનંદન આપ્યા.
પ્રાથમિક શાળામાં બાળમેળાની પણ મુલાકાત લીધી અને બાળકોની પ્રતિભા - સર્જનાત્મકતાને ખીલતા જોવાનો આનંદ આવ્યો. તેમની સાથે થોડી ગમ્મત સાથે ગોષ્ઠી કરી. માધ્યમિક શાળાઓમાં સરકાર દ્વારા કન્યાઓને અપાતી સાયકલ મારા અને અન્ય મહેમાનો - શિક્ષકોના હસ્તે કન્યાઓને આપી. પછી ગૃપ ફોટો લઇ વિદાય લીધી.
કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવની આ સફર યાદગાર બની રહી. આશા છે મેં રોપેલા વૃક્ષો અને વાતો/વિચારો સ્વસ્થ રીતે ઉગી નીકળે. આ વિચાર માટે અને અમલીકરણ માટે સરકારને ધન્યવાદ આપવા જ રહે. આ યજ્ઞમાં સહભાગી થનાર સૌ અભિનંદનના હકદાર છે. જય જય ગરવી ગુજરાત.






Comments

harshit said…
Good to see such a positive reviews from you.No doubt Praveshotsav is a good programme but still government should provide more infrastructure to these village primary schools.and congratulations to you for your Praveshotsav.....
વ્યાસ said…
Teacher and officer both experience you have which is necessary for system.school should be picnic spot for children.they will cry to come for school on holidays.your nature will encourage all parents teachers and ofcource little too.
Unknown said…
બહુ સહજ રીતે નવ શાળાઓને પોતાની કરીને મૂલાકાત લીધી અને સૌને સાથે રાખી ઉત્સવ ઉજવાવ્યો એટલે એ લોકો પણ તમને સંભારશે .
Unknown said…
બહુ સહજ રીતે નવ શાળાઓને પોતાની કરીને મૂલાકાત લીધી અને સૌને સાથે રાખી ઉત્સવ ઉજવાવ્યો એટલે એ લોકો પણ તમને સંભારશે .
Dilip Bhatt said…
Waah. Khub aanand thayo. You've shown your prowess to work with your twin duty aspects -- Administrator and Teacher. May your Teacher be supported by your Administrator! May your Administrator tries to understand your Teacher Self. I'm happy to listen to your achievements. God bless you, Dear Kalpesh!
Anonymous said…
Very nice work done by administrator, whose teacherheart always pumping for students.
I pray to God, he will give you chance to work in Education adminstrative department as topmost post, so you will do better for real education.

Dr.Mayur Patel
I m not surprised by your approach. You have been always a sensitive visionary person since the days I know you. You are one of those endengered species who are at best position and also doing the best they can.Salute to your commitment.
Tushar said…
आपका हार्दिक अभिनंदन,
आपने प्रवेशोत्सव की प्रक्रिया को नया आयाम दिया है। उसमें माताओं के प्रति जो आदर व्यक्त किया है, वह सराहनीय है। एक शिक्षक की गोद मे साम्राज्य और मानवता पलती है, बढ़ती है। आपका पुण्यकार्य जारी रखें, शुभकामनाये

Popular posts from this blog

ત્રણ... શોર્ટ ફિક્શન.

પાણીનો મૂળ રંગ લાલ હોય છે...