દુકાને દુકાને અભિયાન ચાલે છે - લૂંટે ગુજરાત.



'પાંચીયાનું કાંઇ નો આવે'... અમે નાના હતા ત્યારે અમારા ગામના મગન દાદા ગોર લારી લઇને કુલ્ફી વેચવા નિકળતા અને ટાબરીયાવ જ્યારે હરખાઈને કુલ્ફી લેવા દોડી જતાં એટલે એકાદ બે ટાબરીયાવ પાંચીયુ આપે ને મગન દાદા ઉપરનું બ્રહ્મ જ્ઞાન પીરસે. પાંચીયાનું તો હવે પંચનામું થઈ ગયું છે ને એના ઉત્તરાધિકારી ચલણી સિક્કા પણ સમયના વહેણમાં તણાઈ ગયા છે. હવે તો પચાસ પૈસા કાઢો તો પણ જાણે તમે ઝિમ્બાબ્વેથી આવ્યા હોવ તેમ લોકો તમને ઘુરશે. પૈસા નું અસ્તિત્વ હવે છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે. અને સાથોસાથ લોકોની નૈતિકતા પણ. સૌને રાતોરાત ધનવાન થવાનો ગાંડો ચસકો લાગ્યો છે. મબલખ વસ્તુઓથી ઉભરાતી બજારોમાં વસ્તુની સાથે નૈતિકતા પણ પડીકે બંધાઇ રહી છે. તમે ઘરે જઈને પડીકું ખોલશો તો વસ્તુ નિકળશે પણ સાથે બંધાયેલ નૈતિકતા છૂ થઈ ગઈ હશે. બે કોડીની વસ્તુ બાર કોડીમાં વેચશે અને ઉપરથી કહેશે 'આ તો તમે છો એટલે આ ભાવ છે બાકી આ ભાવે ન પોસાય.' વારંવાર સંભળાતી આ વાત પર પોરસાવાનું આપણે ક્યારે બંધ કરીશું?
આમ તો આ નરાધમ વાયરો આખા ભારતમાં ફેલાણો હોઇ શકે, પણ આપણને તો ગુજરાતનો વાયરો જ કવરાવે ને? આખા ગુજરાતમાં લગભગ તમામ દુકાને જાણે એકસામટું અભિયાન આરંભ્યુ છે - લૂંટે ગુજરાત. શહેરોમાં પ્રસરેલ આ વંઠેલ પ્રથા ગામડાઓને પણ ઝપટમાં લઇ રહી છે. 'વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો' વાળી કહેવતના માત્ર કીરદારો જ બદલાયા છે. લૂંટ વૃત્તિ તો એ જ છે; ને વધુ ભયંકર બની છે. કોઈ પણ દુકાન પકડી લો- શાકભાજીની, કરિયાણાની, ફટાકડાની, ખાણીપીણીની, સ્ટેશનરીની, કપડાંની, દાક્તરીની, શિક્ષણની, ન્યાય અપાવનારની કે કોઈ પણ દુકાન જોઇ લો. તમામનુ એક જ મિશન છે - લૂંટે ગુજરાત. છાપેલી કિંમત કરતાં વધારે ભાવ લેવાના અને જેમાં છાપેલી ન હોય તેના અધધ ભાવ પડાવવાના. મલ્ટીપ્લેક્ષમાં વેચાતો વાશી ખોરાક આનું અડબાઉ ઉદાહરણ છે. ઓન લાઇન શોપિંગ સાઇટ્સના આક્રમણ પછી પણ આવી નફાખોર દુકાનોએ સુધરવાની તસ્દી તો શું પરવા પણ નથી કરી. તમે આવી બાબતે ધ્યાન દોરવા ગયા તો મર્યા સમજો. તમારી દલીલોને કોઇ સ્થાન નથી. તમને મુરખ, ચીંકણા, કંજૂસ કે લપ્પન છપ્પનીયા ગણાવવા વાળી ફોજ તમારી આસપાસ જ ગણગણ્યા કરતી હોય છે. તમારા સાથીદારો પણ કહેશે, 'જવા દે ને કોણ માથાકૂટ કરે?' મગન દાદા ગોર જાણે 'પાંચીયા' ના સ્થાને 'તમારી દલીલો' વાપરીને આપણને બ્રહ્મ જ્ઞાન આપતા હોય તેવું લાગે.
કેટલીક દુકાનો વળી ક્વોલીટીની ધોળી ધજા ફરકાવીને બેઠી હોય છે. જેવું તમે તેમને ત્યાં વેચાતી વસ્તુ અને અન્ય જગ્યાએ વેચાતી એ જ વસ્તુના ભાવમાં તફાવત તરફ દુકાન ધણીનું ધ્યાન દોરો કે તરત એ ગુણવત્તા શ્રેષ્ઠી કહેશે, 'ભાઇ, ક્વોલિટી ક્વોલિટી માં ફેર હોય છે. આવી ક્વોલિટી નો મળે.' તમારા બધાં પ્રયત્નોનો અંતિમ ઉત્તર હોય - લેવું હોય તો લો અહીં તો આમ જ ચાલે છે. દાક્તરની દુકાને તો બાર્ગેઇનિંગ પણ ન થાય. બે મિનિટ (એ પણ તમારા ભાગ્ય હોય તો) અલપ જલપ તપાસશે, કમિશનીયા રીપોર્ટ કરાવવા મોકલશે અને તગડી ફી ચૂકવવા કહેશે. 'કાંઈક ઓછું લો ને સાહેબ' એવું જો બોલ્યા તો તમે કોઇ હત્યારા છો અને તેમના કોઇ સગા /સગીની હત્યા કરીને ખંડણી માંગી હોય તેમ તમારી સામે ઘુરકશે. આના કરતાં બે દિ જેલમાં જઇ આવવું સારૂ એવી ભાવના સાથે તમે ચાર ઘર વળતા કરશો.
દુકાન જેમ પ્રસિદ્ધ અને મોટી એમ કાન કાપવાની પદ્ધતિ પણ મોટી અને વિશિષ્ટ. વળી પાછી, દલીલ, બાર્ગેઇનિંગ વગેરેથી અલિપ્ત. કોઇ વસ્તુના ભાવ વધ્યા પછી આનુષંગિક વસ્તુઓમાં ભાવ વધારો ઝીંકી દેવામાં પાવરધી આ દુકાનો જે તે વસ્તુના ભાવ ઘટાડા બાદ અખંડ મૌન અવસ્થામાં આવી જતી હોય છે. પ્રજા પણ આ બધું સહી લેવા માટે જ જાણે સર્જાણી છે. સૌને લૂંટાતા રહેવાની આદત પડી ગઈ છે.
દરેક વ્યક્તિ જાણે દુકાન ધણી બની ગયો છે. પેલો લૂંટે છે તો હું કેમ નહીં? એવું વિચારીને જાણે પોતે જ પોતાના માટે લૂંટનું લાઇસન્સ આપી દે છે. ઘણી જગ્યાએ હવે 10 રૂપિયા ના મલ્ટિપલમાં જ વસ્તુ ખરીદવા દેવાનો શિરસ્તો થઈ ગયો છે. કન્ઝ્યુમર ઇઝ કીંગ જેવી સુફિયાણી યુક્તિ ક્યારની ડમ્પિંગ યાર્ડની મહેમાન થઈ ગઈ છે. તમે હવે રાજા નથી, ગુલામ છો માર્કેટમાં છવાયેલી અસંખ્ય વસ્તુઓ લેવાની લાલચના. વસ્તુઓ માર્કેટ રણકાવતી રહેશે તમે નહીં લો તો કોઈ ઔર લેશે. એટલે દુકાનોને  તમારી નહીં, તમને અલગ અલગ દુકાનોની જરૂર છે. વખત આવ્યે તમે મને ક મને એ દુકાનના પગથિયા ચઢવાના જ છો. ક્યાં જશો? બસ, અહીં જ તેમની જીત છે. તમે ભૂખ્યા રહેવાના નથી, પાણી વગર ચાલવાનું નથી, મનોરંજન તમારૂં અવિભાજ્ય અંગ છે, બિમાર પડવામાંથી બચી શકવાના નથી, ક્યારેક તો કોઇ સામાન્ય કાયદાનું ઉલ્લંઘન કરી બેસવાના કે કોઈની આવી પ્રવૃત્તિના ભોગ બનવાના અને જિંદગી જીવો છો તો જરૂરિયાતોથી ઘેરાયેલા જ રહેવાના ને? બસ, તો ચોરે ને ચૌટે ખડકાયેલી દુકાનો તમને લૂંટવા આતુરતાથી રાહ જૂવે છે. અન્ય કોઈ અભિયાન ચાલે કે ન ચાલે, 'લૂંટે ગુજરાત' ધમધોકાર બિન્દાસ ચાલે છે. આપણી પાસે બનચવાનો કોઇ ઉપાય જ નથી.
અને, છેલ્લે ખબર મળ્યા મુજબ મગન દાદા ગોર હવે ઉંમરના વહેણમાં અટવાઈ ગયા છે. કુલ્ફી વેચવાનું ક્યારનું છોડી દીધું છે. જાણવા મળ્યા મુજબ તેમણે કુલ્ફી વેચવાનું બંધ કર્યું ત્યારે સૌથી ઓછા ભાવની કુલ્ફી પાંચ રૂપિયાની આવતી. અને, રૂપિયો લઇને આવતા ટાબરીયાવને કહેતા, 'રૂપિયાનું કાંઈ નો આવે'...

Clueless
Kalpesh Bhatt

Comments

Unknown said…
nice kalpesh
હવે તો આ લૂંટના ધંધામાં ન પસંદ પડતી વસ્તુ ભટકાવવાનો પણ નવો કીમીયો આવી ગયો છે. દૂધ લેવા જાવતો છૂટા પૈસાની જવાબદારી ગ્રાહકની નહીતો કમને પણ જાણે તેમના બર્થડેની ગિફ્ટ આપતા હોય તેમ ચોકલેટ પધરાવી દેવામાં આવે.

Kalpesh Bhatt said…
સહી પકડે હૈ, ઇશ્વર.
પેલા કહેવાતું કે બધું ભગવાન ભરોસે હોય; હવે કહેવું પડે કે બધું માર્કેટ ભરોસે છે. ભગવાન પણ બિચારો થઇ મુંજાઇ જાય તેવી પરિસ્થિતિ છે. જો કે તેની દુકાને પણ આવા જ હાલ છે.
Anyway, thank you for the feedback.

Popular posts from this blog

શાળા પ્રવેશોત્સવ - શિક્ષણની વિસ્તરતી સીમાઓ - પ્રત્યક્ષ અનુભવ

કોપી ઉત્સવ

મુઠ્ઠી ઉંચેરો માનવી, મુઠ્ઠી ઉંચેરી પ્રજા...