સોમનાથ – ભાલકા અને આપણી અસફળતા...

          ૨૬ જાન્યુઆરી, ૨૦૧૬ની રાજ્ય કક્ષાની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં સફળતાપૂર્વક યોજાઇ ગઇ. ફરજના ભાગરૂપે જિલ્લામાં રહેવાનું થયું. માનનીય રાજ્યપાલશ્રીએ તેમના પ્રવચનમાં ઉલ્લેખ્યા મુજબ 'સોમનાથ આપણને આપણી સફળતાઓ અને અસફળતાઓનું જ્ઞાન કરાવે છે.' સોમનાથની ભવ્યતાના ઐતિહાસિક વર્ણનો આપણી સમક્ષ અનેક લોકોએ કર્યા છે. આપણે એ ભવ્યતાના જ્યોતિર્ધર છીએ. પરંતુ એ ભવ્યતા વારંવાર લજવાણી છે, ભંગાણી છે, તૂટી છે અને નષ્ટ થવાની અણી પર આવીને ફરી બેઠી થઇ છે. સ્ફીનીક્સ પક્ષીના મિથકનું સાક્ષાત સ્વરૂપ કદાચ આ ઐતિહાસિક તવારિખ જ હોઇ શકે. સોમનાથ પર આક્રમણ થવું અને તેનું લુંટાવું એ આપણા સંક્રમિત – ભ્રમિત સમાજનું નબળું પરિણામ છે. સોમનાથને ભવ્ય બનાવવું અને તેનું પુન:નિર્માણ કરવું એ આપણી હકારાત્મક વિચારધારા અને પ્રતિબધ્ધતાનું સાફલ્ય સ્વરૂપ છે. વિદેશી આક્રમણકારો, વિધર્મી આક્રમણખોરો – લૂંટારાઓ દ્વારા સોમનાથની ભવ્યતાની લૂંટ અનેકવાર ચાલી અને આપણે અનેકવાર પુન: નિર્માણ કર્યું. પોરસાવું જ હોય તો આપણે કહી શકીએ કે તેઓની નકારાત્મકતા સામે આપણી હકારાત્મકતાનો વિજય થયો. તેઓ લૂંટતા રહ્યા અને આપણે ફરી બેઠાં થતાં રહ્યાં. પરંતુ તેની સામેનું પાસું જે આપણી ગૌરવશુધ્ધ માનસિકતાને ખૂંચે તેવું છે તે એ કે આપણે વારંવાર લૂંટાતા રહ્યા, આક્રમણખોરો સામે પરાજિત થતાં રહ્યાં અને પાછા પુન:નિર્માણ થકી આક્રમણકારોને લલચાવતા રહ્યા. આપણે મંદિરોનું તો પુન:નિર્માણ કરતા રહ્યા, ભવ્યતા પુન:સ્થાપિત કરતાં રહ્યા પરંતુ માનવ નિર્માણમાં ઉણા ઉતર્યા- એવાં માનવોનું નિર્માણ જે સોમનાથની રક્ષા અડગ રહી કરી શકે અને આક્રમણકારોને હંફાવી શકે. એવી સિસ્ટમનું  નિર્માણ ન કરી શક્યા  જે આક્રમણોના વિષચક્ર સામે ઝીંક ઝીલી શકે. અહીં નાસ્તિક રીતે જોઇએ તો ઇશ્વરની પણ અસફળતા છલકે છે. અથવા કહીએ તો બેફીકરાઇ કે અવગણવૃત્તિ પ્રતિત થાય છે. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથમાં તેના જ ભક્તો હણાયા કરે, મંદિર લૂંટાયા કરે અને ઇશ્વર જોયા કરે? એક ઐશ્વરીય સભ્યતા તરીકે આપણી અસફળતાનો આ અવિરત પ્રવાહ સતત વહ્યા કર્યો અને આપણે પુજકો, સાધકો, સામાન્ય લોકો અને રક્ષકો ના લોહી વહેવા દીધાં. વળી, આપણે પણ અન્ય સભ્યતાઓની માફક મિથકપ્રિય સભ્યતા છીએ. આપણી સફળતાના ગીતો આપણે ગાઇ શકીએ તેમ ન હોઇ, આપણી અસફળતાઓને ભવ્ય ચીતરતાં રહ્યા છીએ. સોમનાથના રક્ષણમાં અસફળ રહેલી પ્રજાએ તેની ભવ્યતાના ગીતો રચ્યા. વીર હમીરજી સરીખા સાસહ અને શૌર્યપૂર્ણ જવાનોએ રક્ષણનું સુકાન સંભાળ્યું પરંતુ તેઓની યશોગાથા સાફલ્યને વરી ન શકી. આપણે તેના બલીદાનને જ ગાતા રહેવું પડશે. આહુતિ હંમેશા યજ્ઞમાં હોમાતી જ હોય છે. હમીરજીની આહુતિ પણ એવા જ યજ્ઞમાં હોમાઇ ગઇ. તેમના સાહસ પર સદૈવ ગર્વ રહેશે; પરંતુ વિજયપતાકા સુધી પહોંચવાની તેમની અસફળતાને આપણે તેઓ માથું વઢાઇ ગયા બાદ પણ ધડથી લડતા રહ્યાં તેવા મિથક માત્રથી ગૌરવધૂનિ ગણાવતા રહ્યા છીએ. અહીં આપણી સભ્યતાની સાથે ઇતિહાસકારોની પણ અસસફળતા છતી થાય છે. ખપી જવું એ ગૌરવપૂર્ણ હોઇ શકે પણ ખપ્યા વગર વિજય પતાકા લહેરાવવા  એ અત્યંત ગરિમાપૂર્ણ હોય છે. આપણે ગરિમા કરતાં ગૌરવને પ્રાધાન્ય આપતી પ્રજા માત્ર છીએ. જ્યાં ગરિમાપૂર્ણ સાફલ્યનો અભાવ જણાય ત્યાં મિથક ઉભું કરી ગૌરવ લઇ લેવાનું. ઠાલા વાસણો ખખડાવ્યા કરવાનું ને ભોળા બાળકોને ભૂખ્યાં સૂવડાવ્યા કરવાનું.

            સોમનાથના જ નજીકના સ્થળ ભાલકા તિર્થના દર્શને જાવ તો આસ્થાનો ઉછાળો અસફળતાના અભિજ્ઞાનમાં શમી જશે. જે મહાત્માએ આપણને ‘ભગવદ્ ગીતા’ સમો ધર્મગ્રંથ આપ્યો, જે પૂર્ણ પુરૂષોત્તમ ગણાય છે તેવા જગતગુરૂએ આ પાવન ભૂમિ પર પોતાનો દેહ ત્યાગ્યો હોય તે શ્રીકૃષ્ણના દેહોત્સર્ગની આ ભૂમિ પર આટલા વર્ષે પણ આધ્યાત્મની અનુભૂતિ કરાવતું ગરિમાપૂર્ણ દેવસ્થાનનું નિર્માણ કરવામાં આપણે પારાવાર નિષ્ફળ રહ્યા છીએ. હાલમાં મંદિર નિર્માણનું કાર્ય આરંભ થઇ ગયું છે અને કદાચ થોડાં સમય પછી સંપન્ન પણ થશે પરંતુ એનાથી આપણી અસફળતાનું શિલ્પ પણ મૂર્તિમંત થશે. અહીં કહેવાતા સંસ્કૃતિના ઝંડાધારકો, મંદિરોના નામે કાગારોળ મચાવતા મૂર્ધન્યો અને તાબોટા પાડતી પ્રજા વર્ષોથી ચૂપકીદી લઇને બેઠાં છે. ભાલકાને અવગણવાનું આ આચરણ પાપની વ્યાખ્યામાં બેસી શકે? હું મંદિરોના નિર્માણ કર્યા કરવાનો હિમાયતી બિલકૂલ નથી પરંતુ જે ક્ષેત્રનું મહત્વ દર્શાવી આપણે ધર્મના અને બીજી અન્ય બાબાતોના રોટલા શેકતા હોઇએ તે સ્થાનને આટલું પછાત રાખવામાં આપણી કંઇ વિચારધારા જવાબદાર હશે? તે સમજવામાં મારી અસફળતા મને ખૂંચે છે. તમે ભાલકા તિર્થની અસફળતાના સાક્ષી થઇ આવ્યા કે ? આપણે સંસ્કૃતિના જતનની ગુલબાંગો જ માર્યા કરશું કે? આપણે હકારાત્મકતાની આડમાં શું છુપાવી રહ્યા છીએ?
વર્ષ 2004 માં ગ્રીસમાં યોજાયેલ ઑલિમ્પિક રમતોત્સવ વખતે ત્યાંની અસફળતાઓ, નબળાં નિર્માણો, ગંદકીના થર વગેરેને વિશ્વ સમક્ષ પ્રત્યક્ષ ન થવા દેવા માટે મોટાં મોટાં બેનર્સ વડે ઢાંકી દેવામાં આવેલા જેથી છબિ સારી ઉપસે. શુ તમામ સભ્યતાઓ છબિ સારી ઉપસાવવામાં જ સાફલ્ય ગણતી હશે? પાછળ ઢંકાયેલી અસફળતાનું શું? ક્યાંક સોમનાથ – ભાલકાની ગૌરવગાથામાં આપણે આવી જ અસફળતાઓ ઢાંકવાનો યત્ન તો નથી કરી રહ્યાને ? ભગવાન જાણે......

Wondering...

Kalpesh Bhatt

Comments

UADAY said…
Saras dost.
Vicharshil ne vicharnadhin
Kalpesh Bhatt said…
Thank you dost. Your feedback is valuable.
Unknown said…
Kavi hraday dhabktu j rakhjo dear.
Unknown said…
કડવી વાસ્તવિકતા ! ખુબજ સરસ સાહેબ.
Kalpesh Bhatt said…
આભાર દોસ્ત
NALIN JOSHI said…
Aanu karan koi pan vicharshakti vagar na ghetao ni bahumati chhe..anhi vicharnara laghumati ma ane nirvirya chhe..
NALIN JOSHI said…
Aanu karan koi pan vicharshakti vagar na ghetao ni bahumati chhe..anhi vicharnara laghumati ma ane nirvirya chhe..
Kalpesh Bhatt said…
સાચું, હણાયેલા હીર સાથે રહેતી પ્રજા શું ખાખ ઉકાળી લેવાની? લઘુમતી માંથી બહુમતી માં જનાર પણ એવો અડબાવ જ બની બેઠે છે.
Unknown said…
"hoti he to chalti he" ni rit apna dharm ane samaj ma ghar kareli chhe
Kalpesh Bhatt said…
Matra te j nahi, khoti vaato par garv lidha karavanu ane dambh nu odhanu odhi ne faravanu.

Popular posts from this blog

શાળા પ્રવેશોત્સવ - શિક્ષણની વિસ્તરતી સીમાઓ - પ્રત્યક્ષ અનુભવ

કોપી ઉત્સવ

મુઠ્ઠી ઉંચેરો માનવી, મુઠ્ઠી ઉંચેરી પ્રજા...